ખેતી પદ્ધતિ નિબંધ લેખન

ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે શરૂ કરવી ? – Organic farming in gujarati

પ્રાકૃતિક ખેતી
Written by Gujarat Info Hub

 પ્રાકૃતિક ખેતી એટલે શું ? એવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. અહીં પ્રાકૃતિક શબ્દ માં જ એનો જવાબ છે. “પ્રાકૃતિક ખેતી” એટલે સંપૂર્ણ કુદરતી, પ્રકૃતિમય શુદ્ધ અને સાત્વિક, અથવા ઓર્ગેનિક ખેતી એટલે સંપૂર્ણ કુદરતી કોઈપણ કેમિકલ કે રસાયણ નો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કુદરતી  વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી. જેને “ગાય આધારિત ખેતી” પણ કહવામાં આવે છે. ખેડૂત એવી કૃષિ વ્યવસ્થા આપનાવે છે કે તેને બજારમાંથી ખરીદ કરેલ રાસાયણિક ખાતરો, કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી પદ્ધતિ. જે સંપૂર્ણ શુધ્ધ ને રસાયણ રહિત છે. અને ખર્ચ વગર કરવામાં આવતી ઋષિઓએ આપેલી પરંપરાગત ખેતી છે.

પ્રાકૃતિક ખેતી : આપણી ભારતીય પરંપરામાં વૈદિકકાળથી ઋષિઓએ  ખોરાક માટેની  ઉત્કૃષ્ટ કૃષિ વ્યવસ્થા સમાજને આપી છે. ઋષિએ માત્ર માનવજાત જ નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે રહેતા આપણા સ્વજન જેવા પાલતુ પ્રાણીઓ ગાય , બળદ અને અન્ય પશુ  પક્ષીઓના જીવન નિર્વાહ અને પ્રકૃતિના રક્ષણ માટે  વિશ્વને પ્રેરણા આપી છે. ઋષિઓએ અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરી પ્રાકૃતિક ખેતી વ્યવસ્થા દ્વારા ખોરાક અને ઔષધોનો અખૂટ ખજાનો વિશ્વની સામે રાખ્યો છે. ખોરાક અને જીવન પદ્ધતિ માટે હજારો વર્ષોથી ભારતે વિશ્વને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે.પ્રકૃતિના આપણા ઉપરના અનેક ઉપકારો માટે  કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણા ઋષિઓ એ  આપણને સમજાવી છે.  સુક્ષ્મ જીવો થી લઈ  મહાકાય પ્રાણીઓ નું પોષણ કરનાર આ જમીન છે. એટલે જ ધરતીને માતા  કહી છે . અખાત્રીજના દિવસે ખેડૂત ધરતીમાતાનું પૂજન કરે છે તેમજ તેની ખેતી માં સાથ આપનાર પોતાના પરિવાર સમાન બળદનું પણ પૂજન કરે છે ખેતી અને પરિવાર માટે ખૂબ જ મહત્વનું સ્થાન ગાયનું છે. એટલેજ ગાયને પણ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. “પ્રાકૃતિક ખેતી ” માં ગાયનું ખુબ મહત્વ છે. તેથી જ ગાયને કામધેનુ કહી છે.  આજના આ સ્પર્ધાના યુગમાં વધુ ઉત્પાદન મેળવી વધુ આર્થિક લાભ મેળવવામાં કૃષિ  ક્ષેત્ર પણ બાકાત નથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નો બેફામ ઉપયોગ આપણી જમીન ને ખૂબ મોટું નુકસાન કરી રહ્યો છે.  આવું જ ચાલતું રહેશે તો આવનાર પેઢી માટે ફળદ્રુપ અને  ઉપજાઉ જમીનને  આપણે ખોઈ બેસીશું .પરંતુ પાકૃતિક કૃષિ જમીન ને  ફળદ્રુપ અને સ્વસ્થ રાખવામાં ખૂબ મહત્વનું  પરિબળ બની રહ્યું છે. આપણે ત્યાં જૂના કાળથી  આરોગ્યપ્રદ અને શુધ્ધ  ખોરાકનો મહિમા કહેવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવત છે કે જેવું અન્ન તેવું મન ,અન્ન એવો ઓડકાર  અને અન્ન એજ  ઔષધ.એટલેકે શુદ્ધ અને પ્રાકૃતિક ખોરાક એજ જીવનને સ્વસ્થ રાખવા પુરતું છે . પ્રાકૃતિક ખેતી આવા શુધ્ધ અને આરોગ્યપ્રદ ખોરાકનું ઉત્પાદક છે . હવે લોકોનું ધ્યાન ઓર્ગેનિક ખોરાક પર ગયું છે. પરિણામે પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન મળી રહ્યું છે .

પ્રાકૃતિક ખેતી”ના ફાયદા

પ્રાકૃતિક ખેતી માં માત્ર ફાયદાઓજ છે . પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી પણ કહેવામાં આવેછે . ઓર્ગેનિક ખેતી ના અનેક અનેક ફાયદા છે. જેમાં તાત્કાલીક અને લાંબા ગાળાના ફાયદા છે .

 • પ્રાકૃતિક ખેતી ના ઉત્પાદન માં રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ(પેસ્ટીસાઇડ)નો ઉપયોગ થતો નથી .પરિણામે ઉત્પાદન થતા મસાલા પાકો ,અનાજ ,ફળ અને શાકભાજી કુદરતી પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય પ્રદ હોય છે ,જેનાથી ઉત્તમ આરોગ્ય અને લાંબુ આયુષ પ્રાપ્ત થાય છે.
 • પ્રાકૃતિક ખેતી માં વૃક્ષોનું મહત્વ હોઈ વાતાવરણ પ્રદૂષણ મુક્ત અને ઓછા વરસાદ ની સ્થિતિ સર્જાતી નથી.
 • પ્રાકૃતિક ખેતી માં ગાયનું ગૌ મૂત્ર ,છાણ ,વનસ્પતિનાં પાંદડાં અને કુદરતી છાણીયા ખાતરનો ઉપયોગ થતો હોઈ જમીનમાં દેશી અળશિયાંની સંખ્યા વધે છે . અળશિયાં જમીનને ફળદ્રુપ અને પોચી બનાવનાર ખેડૂતના સાચા મિત્ર છે. જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરીયા જમીનને તંદુરસ્ત રાખે છે . એટલેજ માટી બચાવો અભિયાન માં માત્ર  “ઓર્ગેનિક ખેતીજ ” કારગત નીવડી શકશે.
 • પ્રાકૃતિક ખેતી માં પિયત પધ્ધતિ પ્રમાણસર અને પધ્ધતિસર છે છોડને પાણી કરતાં ભેજ વધુ જરૂરી હોઈ મલ્ચીંગ પધ્ધતિથી ઓછા પાણી થી  પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે .
 • પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ થતો નથી. ઝીરો  બજેટ ખેતી હોઈ ખેડૂતને આર્થીક ફાયદો થાય છે .
 •  પ્રાકૃતિક ખેતી ગાય આધારીત ખેતી હોઈ ખેડૂત પરિવાર દેશી ગાય પાળવી જરૂરી છે . ગાયના દૂધમાં અનેક પ્રાકૃતિક તત્વોથી ભરપૂર હોઈ પરિવારને ઉત્તમ દૂધ ,દહી ,માખણ અને ઘી મળી રહે છે . ખેતી માટે ગાયનું છાણ અને ગૌ મૂત્ર જ વધુ જરૂરી હોય છે અલબત ક્યારેક છાસ અને દૂધ પણ જરૂરી બને છે. ગાય પાળી ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર ગાયના નિભાવમાટે માસિક રૂ.900 જેટલી સહાય પણ આપે છે .પરિણામે ખેડૂતને ગાય પાળવાનો ખર્ચ થતો નથી .
 • ખેડૂતે ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદન વેચવાની વ્યવસ્થા અને બજારભાવ કરતાં પણ સારા ભાવ મળી શકે છે ,જેનાથી ખેડૂતને આર્થીક ફાયદો થાય છે.
 • જમીન ફળદ્રુપ બનતાં ઉત્પાદન વધતું જાય છે .
 •  ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂત પર્યાવરણ ,જમીન સ્વાસ્થ્ય  ,અને ગૌ પાલન માટે કાર્ય કરતો હોઈ રાષ્ટ્ર અને અધ્યાત્મ માટે કરેલા કામનો આનંદ અને સંતોષ મેળવે છે .મારે મન આ જ મહત્વનું છે.

પ્રાકૃતિક ખેતીના પ્રણેતા

ભારતમાં પ્રાકૃતિક ખેતી નો પ્રચાર પ્રસાર કરી પુનઃ ઋષિમાન્ય પ્રાકૃતિક ખેતીની સ્થાપના થાય . બીન ખર્ચાળ અને આરોગ્ય પ્રદ ઉત્પાદનો  સાથે પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવાના પ્રયત્નો કરનાર આધુનિક કૃષિરૂષિ પદ્મશ્રી સુભાષ પાલેકરજી જેઓ કૃષિ વિજ્ઞાની છે . તેમણે કરેલા પ્રયતનોને આભારી છે . ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી,ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય  દેવવ્રતજી ,જગ્ગી વાસુદેવજી અને અનેક મહાનુભાવો એ યોગદાન આપ્યું છે .  ગુજરાત વિધાપીઠ દ્વારા પ્રાકૃતિક ખેતી માં phd ની ડીગ્રી હવે દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જીવામૃત બનાવવાની રીત

(1)  દેશી ગાયનું છાણ 10 કિલો

(2)  દેશી ગાયનું ગૌમૂત્ર દેશી  ૮થી ૧૦ લીટર

 (3) ગોળ દોઢ થી બે કિલો

(4)  ચણા(કઠોળ)નો લોટ બે કિલોગ્રામ

 (5) પાણી ૧૮૦ લીટર

(6) ઝાડ નીચેની ચોખી માટી  500 ગ્રામ

 ઉપરોક્ત વસ્તુઓ ને પ્લાસ્ટિકના એક ડ્રમ અથવા ટાંકીમાં નાખીને લાકડીથી બરાબર હલાવી મિક્સ કરવું .દરરોજ બે ટાઈમ ઘડિયાળના કાંટાની દિશામાં બે બે મિનિટ હલાવવું  અને છાંયડામાં કોથળા થી ઢાંકીને રાખવું. અઠવાડિયા જેટલા સમયમાં જીવામૃત તૈયાર થશે. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, જેવા હાનિકારક વાયુનું નિર્માણ થાય છે. તેથી તીવ્ર વાસ આવવાની શરૂઆત પણ થશે તેનો રંગ પણ બદલાશે .હલાવતી વખતે એની  વાસ શ્વાસમાં ના જાય એનું ધ્યાન રાખવું .જીવામૃત બન્યા પછી સાત દિવસમાં એનો ઉપયોગ કરવો. શિયાળાના ઠંડા વાતાવરણમાં તેનો પંદર દિવસ સુધી ઉપયોગ કરી શકાય. આ જીવામૃત પિયત સાથે ખેતરમાં આપી શકાય છે. તેનાથી જમીનના ભૌતિક, રાસાયણિક, અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે. ખેતીમાં ચમત્કારી સુધારો થશે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવા મૃતનું ખૂબ મહત્વ છે .

જીવામૃત વાપરવાની રીત :

ફળઝાડ માં બે થી પાંચ લીટર મહિનામાં એક બે વાર આપી શકાય. જીવામૃત ફળ ની આજુબાજુ ગોળાકારે આપવાનું છે. અને જીવામૃત આપતી વખતે જમીનનો ભેજ હોવો જરૂરી છે. ખેતીના પાકો ઉપર  છંટકાવ પણ થઈ શકે છે. ઉભા પાકમાં ૨૧ દિવસના ગાળે ચારથી પાંચ વખત છંટકાવ કરી શકાય.

બીજામૃત બનાવવાની રીત

 વાવણી કરતા પહેલા બિયારણની માવજત કરવા માટે બીજામૃત નો પટ આપવો ખૂબ જરૂરી છે. બીજામૃત બનાવવા માટે દેશી ગાયનું છાણ પાંચ કિલો, ગૌમુત્ર 5 લીટર, કળીચૂનો 250 ગ્રામ પાણી 20 લીટર, અને મુઠ્ઠીભર ખેતરની સારી માટી અને થોડો ચૂનો . આ બધા પદાર્થો ને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો દિવસમાં બે વાર લાકડીથી હલાવી મિશ્રણ કરો .વાવણી પહેલાં બીજની ઉપર બીજામૃત નો છંટકાવ કરીને બીજ ને છાંયડામાં સૂકવી દો . હવે આ બીજ વાવણી માટે તૈયાર છે .

ઘન જીવામૃત બનાવવાની રીત

(1)100  કિલો દેશી ગાયનું છાણ

(2) 1 કિલો ગોળ

(3) બે કિલો કઠોળ નો લોટ

(4)થોડું ગૌમુત્ર

ઉપરના બધા પદાર્થો ને સારી રીતે મેળવી ગૂંદી લેવાના છે જેથી શીરો કે  લાડુ જેટલું ઘટ્ટ બને પછી કોથળા થી ઢાંકીને રાખવાનું છે. ત્યારબાદ થોડું પાણી છાંટી બરાબર મસળી લાડવા બનાવો . આ થયું ઘન જીવામૃત . હવે આ ઘન જીવામૃત ના લાડવા ને કપાસ, મરચી, ટામેટા, ભીંડા વગેરેના બિયારણ સાથે જમીન ઉપર રાખવાનું છે. ટપક પદ્ધતિ સિંચાઈ કરવામાં આવતી હોય તો આ લાડવા પર સુકુ ઘાસ રાખીને ઉપરથી થી પાણી આપવું. અથવા આ ઘન જીવા મૃતને હળવા તડકામાં ફેલાવીને સુકવી દેવાનું છે. પછી તેને લાકડીથી કૂટીને બારીક બનાવી કોઠાળા ભરી સંગ્રહ કરી શકાય. આ ધન જીવામૃત 6 માસ સુધી જમીનમાં પણ આપી શકાય છે. તેને છાણીયા ખાતર સાથે મેળવીને પણ આપી શકાય છે. જે ખુબજ સારું પરિણામ આપશે.

પાક સંરક્ષણ ના ઉપાયો

નીમાસ્ત્ર બનાવવાની પધ્ધતિ – Neemastra preparation

ખેતીમાં પાક સરક્ષણ ના ઉપાયો ખૂબ મહત્વના છે .જો સમયસર પાક ઉપર થતા ફૂગ જાની રોગો કે ઇયળો વગેરેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવેતો ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે . પ્રાકૃતિક ખેતીમાં પણ પાક સંરક્ષણ માટે અનેક અસરકારક ઉપાયો મોજૂદ છે વળી તે પેસ્ટીસાઇડ પણ નથી . એટલે તૈયાર થનાર પાક સંપૂર્ણ ઓર્ગેનિક અને શુધ્ધ સ્વરૂપે તૈયાર કરી શકાય છે . પ્રાકૃતિક ખેતીમાં બીજ માવજત થી લઈ સંપૂર્ણ પાક સંરક્ષણ ના ઉપાયો વિશે જાણો .

 • ચુસીયા પ્રકારની જીવાતો અને નાની ઇયળો ના નિયંત્રણ માટે

રીત :

 5 કિલોગ્રામ લીમડાના પાન અથવા પાંચ કિલો સુકાયેલી લીંબોળી 5 લીટર પાણીમાં આખો લીમડો  અથવા લીંબોળી નો પાવડર નાખી એમાં પાંચ લીટર ગૌમુત્ર નાખવાનું.  એક કિલો ગાયનું છાણ ભેળવવું લાકડીથી બરાબર મિશ્રણ કરી 48 કલાક સુધી ઢાંકીને રાખવું. દિવસમાં ત્રણ વખત હલાવવું ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળી લેવું . હવે આ નિમાસ્ર પાક ઉપર છંટકાવ કરવા માટે તૈયાર છે.

 બ્રહ્માસ્ત્ર બનાવવાની રીત – Brahmastra preparation

 • મોટી જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે

રીત :

૧૦ લીટર ગૌમુત્ર (2) ત્રણ કિલો લીમડાના પાન(3) બે કિલો કરંજ ના પાન, ના મળે તો ત્રણ કિલો લીમડાના પાન (4) બે કિલો સીતાફળ ના પાન (5)બે કિલો ગ્રામ સફેદ  ધતુરા ના  પાન

હવે આ મિશ્રણને ગૌમૂત્રમાં ભેળવી ઢાંકીને ઉકાળવું આશરે ત્રણ ચાર વખત ઉભરા  આવ્યા પછી તેને ઉતારી લેવું 48 કલાક સુધી તેને ઠંડુ થવા દેવું પછી કપડાથી ગાળી ને મોટા વાસણમાં ભરી દેવું.  આ થઈ ગયું બ્રહ્માસ્ત્ર 100 લીટર  પાણીમાં બે કે 2.5 લીટર અથવા પાંચ લીટર ના પ્રમાણમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરી શકાય છે

અગ્નિ અસ્ત્ર બનાવવાની રીત – agniastra preparation in Guajarati

 • કપાસના જીંડવા અને તમામ પ્રકારના ફળ પાકોમાં  રહેતી  મોટીજીવાતો અને મોટી ઈયળ માટે

20 લીટર ગૌમુત્રમાં ,500 ગ્રામ લીલા મરચાં ખાંડી ને  નાખો. 500 ગ્રામ લસણ તેમજ ૫૦૦ ગ્રામ લીમડાના પાન આ બધું ખાંડીને  નાખો અને લાકડીથી બરાબર હલાવો. પછી એક વાસણમાં ઉકાળો, આશરે ચાર પાંચ વખત ઉભરા આવ્યા બાદ તેને ઉતારી ઠંડું પાડી  દેવું ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળીને એક વાસણમાં ભરી રાખો. સો લીટર પાણીમાં બે કે 2.5  લીટર ના પ્રમાણમાં ભેળવીને પાક ઉપર છંટકાવ કરો .

 ફુગનાશક બનાવવાની રીત

 5  લીટર પાણીમાં ત્રણ લીટર ગાયની ખાટી છાસ  ભેળવીને પાક ઉપર છંટકાવ કરો. આ ફૂગ નાશક ઘણું સજીવક છે, અને વિષાણુ રોધક છે. ખૂબ જ સારું કામ કરે છે.

દસ પર્ણી અર્ક બનાવવાની રીત

 દસ પર્ણી અર્ક બનાવવા માટે  એક પ્લાસ્ટીકનું પીપ અથવા માટીનું વાસણ લઈ આ  વાસણમાં 200 લિટર પાણી લો. એમ 10 લીટર ગૌમુત્ર નાખો, બે કિલો દેશી ગાયનું છણ નાખી બરાબર મિશ્રણ કરો. પછી તેમાં પાંચ કિલો ગામ લીમડાની ડાળીઓ ના કટકા  કરી નાખો. બે કિલો સીતાફળ ના પાન બે કિલો કરંજ નાં  પાન, બે કિલો એરંડાના પાન, બે કિલો ધતુરા ના પાન, બે કિલો બીલીના પાન ,બે કિલો કરેણ ના પાન, બે કિલો બોરના પાન, બે કિલો પપૈયા ના પાન, બે કિલો બાવળ ના પાન, બે કિલો જામફળ ના પાન ,બે કિલો જાસુદ ના પાન ,બે કિલો તેના પાન, બે કિલો બાવચી ના પાન ,બે કિલો આંબાના પાન, બે કિલો કરો ,બે કિલો દેશી કારેલા ના પાન ,બે કિલો ગલગોટા છોડ ના ટુકડા ઉમેરો ,ઉપર જણાવેલ વનસ્પતિઓના પાન માંથી કોઈપણ દસ વનસ્પતિ નાં પાન લેવાનાં  છે ત્યારબાદ તેમાં 1 કિલો તમાકુ, 500 ગ્રામ તીખાં મરચાં ની ચટણી, ૨૦૦ ગ્રામ સૂંઠનો પાવડર, 500 ગ્રામ હળદર નો પાવડર. નાખી બરાબર લાકડીથી હલાવવું. હવે આ મિશ્રણને છાંયડામાં રાખી બે વખત સવાર સાંજ  લાકડીથી હલાવતા રહેવું. આ મિશ્રણને વરસાદ અને તડકાથી બચાવવું. આ મિશ્રણને તૈયાર થતાં 40 દિવસ જેટલો સમય લાગે છે 40  દિવસ પછી એને કપડાથી ગાળી વાસણમાં ઢાંકીને રાખો. જે છ માસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. 200 લીટર પાણીમાં પાંચથી છ લિટર દસ પર્ણી અર્ક નાખી જીવાતના નિયંત્રણ માટે છંટકાવ કરી શકાય છે.

Prakritik Kheti in Gujarati – FAQ’s

1. પ્રાકૃતિક ખેતી એટલે શું ?

પ્રાકૃતિક ખેતી એટલે રાસાયણિક ખાતરો અને જંતુ નાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી .

2. ગાય આધારિત ખેતી એટલે શું ?

ગાય આધારીત ખેતી એટલે જે ખેતીમાં ગાયના ગૌ મૂત્ર અને છાણ નો ઉપયોગ કરી ઉત્પાદન વધારવામાં આવે છે .તે પ્રાકૃતિક ખેતીને ગાય આધારીત ખેતી કહે છે.

3. organic ખેતી એટલે શું ?

ગાય આધારીત ,પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી કહે છે .

4. ગાય માટે (ગૌ પાલન )માટે કોઈ સહાય મળે છે ?

હા ગાયના પાલનપોષણ માટે ગુજરાત સરકાર મહિને રૂ .900 સહાય આપે છે .

5. પ્રાકૃતિક ખેતી માટે માહિતી ક્યાથી મળી શકે ?

દરેક જીલ્લામાં આત્મા સંસ્થા કાર્યરત છે ત્યાથી પ્રાકૃતિક કૃષિની માહિતી મળી શકશે.

6. પ્રાકૃતિક કૃષિ વિષયમાં PhD ની ડીગ્રી મળી શકે ?

હા ,ગુજરાત વિધાપીઠમાં પ્રાકૃતિક કૃષિ વિષયમાં PhD અભ્યાસક્રમ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment