આજનું તાપમાન: હાલ ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ હાલમાં ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ૭ માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને વડોદરામાં ૩૪ ડિગ્રી નોંધાયું હતું. આગામી સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી પર નજર કરીએ.
ગુજરાતમાં તાપમાન કેટલું રહેશે?
હવામાન વિભાગની આગાહી મુજબ આજે મહત્તમ તાપમાન આ મુજબ રહેશે:
- ૩૩ ડિગ્રી: અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ
- ૩૬ ડિગ્રી: પાટણ અને આજુબાજુના વિસ્તારમાં
- ૩૫ ડિગ્રી: અમરેલી, જુનાગઢ, નર્મદા, નવસારી અને અન્ય કેટલાક જિલ્લાઓ
અંબાલાલ પટેલે કરી અણધાર્યા વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં ગરમીમાં વધારો થશે અને માર્ચ મહિનામાં હીટવેવ આવવાની શક્યતા છે. તેઓએ ૪ થી ૧૦ માર્ચ દરમિયાન હવામાનમાં પલટો થવાની શક્યતા દર્શાવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં થોડા વરસાદી છાંટા પડવાની સંભાવના છે.
૭ માર્ચ પહેલાં ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તાપમાન થોડું ઘટી શકે છે, પરંતુ ૭ માર્ચ પછી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને ૧૦ માર્ચ બાદ રાજ્યમાં કઠોર ગરમી પડવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ ૨૩ માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરશે, જેના કારણે તાપમાન ધીમે ધીમે વધશે. કેટલાક વિસ્તારોમાં ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. ૨૬ એપ્રિલથી ભારે ગરમી શરૂ થશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ૪૫ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના રહેશે. એપ્રિલ મહિનામાં વંટોળ અને લૂની શક્યતાઓ પણ રહેશે.