આરોગ્ય વર્ધક અનાજ: આપણી ભારતીય ઋષિ પરંપરામાં આરોગ્ય પ્રદ ખોરાકનો મહિમા છે . ખોરાકને પણ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડીને ખોરાકની મહત્તા વધારવામાં આવી છે . પરંપરાગત બરછટ અનાજ અને લો કેલેરી તૃણ અનાજનો ઓછો ઉપયોગ તેમજ આજના ભૌતિક અને કહેવાતા સુધારાએ લોકોની ફાસ્ટફૂડ પ્રત્યેની રુચી અને પશ્ચિમના લોકોની રહેણી કહેણીનું આંધળું અનુકરણ આપણા પરંપરાગત ખોરાક અને પરિણામે આપણા આરોગ્ય તેના વાવેતર અને ઉત્પાદનને અસર કરી છે. પરિણામે પોષણ અને તંદુરસ્તીને બદલે અનેક રોગોને આમંત્રણ આપ્યું છે . સ્થૂળતા ,હ્રદયરોગ અને ડાયાબીટીશ જેવા રોગો પડકારરૂપ બન્યા છે. શારિરીક શ્રમને બદલે બેઠાડું જીવનશૈલી એ લોકોના સ્વાસ્થ્યમાં ઘટાડો થયો છે .
અગાઉના આર્ટિકલમાં મે બરછટ અનાજની ખેતી અને જાડાં ધાન્ય ખાવાના ફાયદા વિષે વાત કરી હતી. આ આર્ટિકલમાં તૃણ પ્રકારનાં હલકાં અને ઓછી કેલેરી વાળાં અનાજ ની ખેતીની પ્રાથમિક વાતો અને તૃણ ઘાસનાં અનાજના ફાયદાની વાત કરી છે . સામાન્ય લાગતાં આ લો કેલેરી ધાન્ય ખરેખર આરોગ્ય વધારનાર સુપર ફૂડ સાબીત થઈ રહ્યાંછે .
બંટી અનાજ (Bunty)
બંટી અનાજ in English:- બંટી અનાજને ઈગ્લેશમાં Echinochloa crus-galli ના નામે ઓળખાય છે.

બંટી એક તૃણ પ્રકારનું હલકું ધાન્ય છે . તે ખુબજ આરોગ્યપ્રદ અને પચવામાં હલકું છે . બંટી ચોમાસુ પાક છે . બંટીને મધ્યમ ગોરડું કે કાળી જમીન માફક આવે છે . સામાન્ય રીતે મોડી વરાપ થતી જમીનમાં કોરી જમીનમાં (વરસાદ પહેલાં) બંટીનું વાવેતર પુંખીને (હાથથી બીયારણ વેરવું ) કરવામાં આવે છે . વાવણીયા દ્વારા પણ વાવેતર કરવામાં આવે છે . લગભગ 85 દિવસમાં પાક તૈયાર થતાં કાપણી કરવામાં આવે છે . બંટીના પાકના દાણાને છૂટા પાડવા બળદને ફેરવીને કે ટ્રેક્ટર થી છૂટા પાડવામાં આવે છે . ત્યારબાદ દાણાનો ખાવામાં અને ઘાસ પશુ ના ચારા માટે ઉપયોગમાં આવે છે. દાણાઉપર ના પડને ઘંટીમાં કે ખાંડીને ઉપરના પડ ને દૂર કરવામાં આવતાં દાણા સફેદ ચળકતા દેખાય છે જેને બંટીયા કહે છે . આ પ્રક્રીયા ને બંટી સસરાવવી એમ કહેવાતું. બંટીયાને છાસ માં ખીચડી ની જેમ રાંધવામાં આવે છે. તેને ઘેંસ કહેવામાં આવે છે . ઘેંસ દૂધમાં પણ રાંધી શકાય છે. ઉનાળામાં ઠંડી છાસ સાથે ખાવા ની ખૂબ મજા પડે છે . વર્ષો પહેલાં સવારના નાસ્તામાં અને બપોરે ઘેંસ ખૂબ પ્રચલિત હતી . આરોગ્યપ્રદ અને પચવામાં હલકા બંટીયા ખરેખર સુપર ફૂડ છે .
કુરી અનાજ (kuri)
કુરીએ બંટીની શ્રેણીનું તૃણ પ્રકારનું હલકું ધાન્ય છે. છે. કુરી ની વાવણીની રીત અને આબોહવા અને સમયગાળો પણ સમાન છે .કુરી દેખાવવા પણ બંટીના જેવી સામ્યતા ધરાવે છે . કુરી ખાસ કરીને પશુના ઘાસચારા માટે ઉપયોગી છે . કુરી ખરીફ સિજનમાં લેવામાં આવે છે ચોમાસામાં તેમજ ઉનાળામાં કુરીનું વાવેતર કરવામાં આવે છે .પ્રમાણસર વરસાદ કુરીના પાકને અનુકૂળ છે .ઉનાળામાં પિયત દ્વારા કુરીનો પાક લેવામાં આવે છે . કુરીનો છોડ સામાન્ય રીતે 1 મીટર જેટલો ઊચો થાયછે .ઘાસચારા માટે વાવવામાં આવેલ હોયતો પાક તૈયાર થયા પહેલાં કાપણી કરીને પશુને નિરવામાં આવે છે . 85 થી 90 દિવસે પાક તૈયાર થાય ત્યારે બંટીની જેમ દાણા અલગ કરી ખોરાકમાં લઈ શકાય છે .
સામો અથવા મોરૈયો (તાંદુલ) – Samo, Moraiyo, Tandul
સામા નુ ઈગ્લેશ નામ Echinochloa Colona છે.

સામો અથવા મોરૈયો એક તૃણ પ્રકારનું ઘાસ છે . તે ચોમાસામાં એની મેળે ઊગી નીકળે છે . તે એક મીટર ઊચાઇ ધરાવતો છોડ છે . તે દેખાવમાં બંટીના જેવો હોય છે .તેને કાળી ,ચીકણી કે ગોરાડું જમીન માફક આવે છે . જો 80 કે 85 દિવસમાં પાકી જાય છે.તેના દાણા રાજગરા જેવડા સફેદ ચળક્તા બંટી જેવા હોય છે . જો શ્રાવણ માસ દરમ્યાન એકધાર્યો વરસાદ ચાલુ રહે અને વાઢવાનું કે પશુને ચારવાનું શક્ય ના બને તો ખેતર ખેડવામાં ટ્રેક્ટરને પણ કામ ના આપે અને રોટો વેટર ચલાવવું પડે એટલી ભરાવદાર સ્થિતિમાં સામો ઉગે છે .
સામામાં ફાઈબર વધુ અને ઓછી કેલરી હોવાથી પાચનશક્તિ વધારનાર, અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખી વજનને નિયંત્રણમાં રાખે છે . તેમાં લોહ તત્વ હોવાથી એનીમીયા માં સારું પરિણામ આપે છે . આરોગ્યની દ્રષ્ટિએ સામો ગુણકારી અનાજ છે .
વધુ વાચો :- ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કેવી રીતે શરૂ કરવી ?
ભાદરવા સુદ પાંચમ ના દિવસે ઋષિ પંચમી ના દિવસે બહેનો ઉપવાસ કરે છે .આ ઉપવાસમાં અનાજ ખાવાનું હોતું નથી, માત્ર સામો ખાઈ શકાય છે . તેથી તેને સામા પાંચમ પણ કહેવામાં આવે છે . સામાને દૂધમાં રાંધી ખીર ની જેમ ખાઈ શકાય છે . આમ સામો આરોગ્ય અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે.