હળદરની પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી એટલે ભારતીય વેદ પરંપરામાં અપનાવેલી ઋષિમાન્ય ખેતીપધ્ધતિ. જે કુદરત દ્વારા તૈયાર કરેલી સંકલિત શૃંખલા અને પર્યાવરણીય રચનાને ખલેલ પહોચાડયા વગર કરવામાં આવતી ખેતી. તેથી ખેતી માત્ર ધંધો નથી, પણ એક સંસ્કૃતિ છે,એક જીવન પધ્ધતિ છે. તેથીજ તે સંપૂર્ણ કુદરતી અને કુદરતે સર્જેલા જમીનના પ્રોત્સાહક સૂક્ષ્મ જીવો અને મિત્ર કિટકોની મદદ થી કરવામાં આવતી ખેતીપધ્ધતિ ટૂંકમાં કહેવું હોયતો આ ખેતી માં રસાયણો અને અને ઝેરી પેસ્ટીસાઈડ જંતુ નાશકોનો ઉપયોગ કર્યા વગર ગાય આધારિત કરવામાં આવતી ખેતી.
પ્રેરણા :
મિત્રો આજે હું બનાસકાંઠાના પ્રગતિશીલ કૃષિ ઋષિ રામજીભાઈ પટેલની હળદરની ખેતી વિશે વાત કરવાનો છુ. રામજીભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના સલીમગઢ ગામના વતની છે. સલીમગઢ નાનકડું પરંતુ ખૂબ રળીયામણું અને ખેતી ક્ષેત્રે નામના ધરાવતું કાંકરેજ તાલુકાનું ગામ. માત્ર પ્રાથમિક સુધી જ ભણેલા રામજીભાઈએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સલીમગઢ નું નામ ગુજરાતજ નહી પરંતુ ભારતમાં ઓળખ આપી છે. રામજીભાઈ નાનપણ થીજ પરમપૂજય પાંડુરંગશાસ્ત્રીના સ્વાધ્યાય પ્રવૃતિના રંગે રંગાયા, અને તીર્થ રાજમાં માં ગંગાના પાવન સાનિધ્ય માં પૂજ્ય દાદાનો ભગવદ ગીતાનો સંદેશ અને કરેલા આહ્વાન “મા ઋષિ પરંપરા ખડી કરેગા”ના મંત્રને આ ખેડૂતે યાદ રાખ્યો. અને પોતાની જે આવડત છે, તે સમાજને ચરણે ધારવાનો મક્કમ નિર્ધાર કર્યો.અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કટ્ટીબધ્ધ બન્યા. વળી કૃષિઋષિ આદરણીય સુભાષ પાલેકરજી, ગુજરાત રાજ્યના રાજયપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી અને આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના વ્યાખ્યાનોનો પણ તેમના માનસ ઉપર જબરો પ્રભાવ પડ્યો.
ધીમે ધીમે પરિવારનો સહયોગ મેળવ્યો. અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીને અપનાવી. અને સમગ્ર ગુજરાત માં જ્યાં જ્યાં આમંત્રણ મળે ત્યાં જાય અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવે. હાલમાં “આત્મા બનાસકાંઠાના સહ સંયોજક” તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીક્ષેત્રે યોગદાન :
ખેડૂતોના પ્રકૃતિક ખેત પેદાશને પોષણક્ષમ ભાવ મળે અને તેઓ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ખેડૂતોનો સહયોગ મેળવી ફાર્મર પ્રોડ્યુસર કંપનીની સ્થાપના કરી. અને પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડુતો માટે પોતાના પ્રાકૃતિક ખેત ઉત્પાદન માટે વેચાણ વ્યવસ્થા ઊભી કરી. આ માટે કલેક્ટર બનાસકાંઠા વરુણ કુમાર બરનવાલ અને આત્મા બનાસકાંઠાનો પણ ખૂબ સહયોગ તેમને મળ્યો.
આજેતો આપણે વાત કરવી છે. તેમણે કરેલી હળદરની પ્રાકૃતિક ખેતીની, રામજીભાઈ પટેલે છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમાં તેઓ ઘઉં,બાજરી.તલ,ચણા,તુવેર,મગ,ચોળી,મરચાં અને પપૈયાં,કેળાં વગેરે ફળપાકની પ્રાકૃતિક ખેતી કરતા હતા. અને તેમને સારો નફો અને કાઈંક સારું કર્યાનો આત્મ સંતોષ મળતાં તેમણે ત્રણ વર્ષ પહેલાંજ હળદરની ખેતી ની શરૂઆત કરી. અને આ વર્ષે 1 વીઘા જમીનમાં હળદરનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યું.
હળદરની પ્રાકૃતિક ખેતી પધ્ધતિ :
હળદરની ખેતી માટે તેમણે જમીનમાં ઘન જીવામૃતનાખી જમીનને સારી રીતે તૈયાર કરી. પ્રાકૃતિક ખેતીમાં ઓછી ખેડ,અને ઓછા પાણીની જરૂર પડે છ. તેમની જમીન ખૂબ પોચી અને ખૂબ ફળદ્રુપ બની છે. તેમણે ખેતરમાં ચાસ પાડી કબીરપુરના પ્રાકૃતિક ખેડૂત મેઘરાજભાઈ પાસેથી હળદરની વાવણી માટે જરૂરી એવી હળદરનાં તૈયાર કરેલાં અગાઉના વર્ષનાં મૂળની ગાંઠો 6 ઈંચના અંતરે ચોપણી કરી. હળદરનું વાવેતર જૂન માસમાં કરવામાં આવે છે. તેથી નિયમિત અને પ્રમાણસર વરસાદ થાયતો પિયત કરવું પડતું નથી. વરસાદની અછત માં પિયત આપવું પડેછે. રામજીભાઈએ આશરે 1 વિઘામાં 81 કિલો બિયારણની જરૂર પડી. અને ડિસેમ્બર માસમાં હળદરનો પાક તૈયાર થતાં આશરે 500 કિલો જેટલી લીલી હળદરનો પાક મળ્યો છે. હાલમાં ઠંડીની સિઝન શરૂ થતાં લીલી હળદરની ખૂબ માગ રહે છે. અને ખેડૂતોને સારા ભાવ પણ મળે છે. જો હળદરને કાપીને સુકવવા દેવામાં આવેતો 300 કિલો જેટલી હળદર મળે છે. એને તેમાંથી લાખ થી દોઢ લાખની આવક એક વિઘામાંથી મેળવશે. આમ રામજીભાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આ વિસ્તારના ખેડૂતોને પ્રેરણા આપી છે. તેમણે તેમના કર્મભૂમિ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં પંચસ્તરીય ખેતી પધ્ધતિ અપનાવી છે. તેમના પ્રયત્નોની ફળશ્રુતિ સ્વરૂપ મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામજીભાઈ અને તેમના ધર્મ પત્નીનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન પણ કર્યું છે
પ્રાકૃતિક કૃષિમાં જમીન સ્વાસ્થ્ય :
મિત્રો, રામજીભાઈ જમીનનું સ્વાસ્થ્ય જળવાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. આમ જોઈએતો તેઓ Save soil અભિયાન પણ ચલાવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં જમીન સ્વાસ્થ્યએ પાયાની બાબત છે. તેમના આ પ્રયત્નોની નોધ લઈ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરીએ ઈશા ફાઉન્ડેશનના પૂજ્ય સદગુરુ સાથે રામજીભાઈના કર્મભૂમિ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ જમીન બચાઓ અભિયાન અંતર્ગત તેમને કરેલી કામગીરીને બિરદાવી ધન્યવાદ આપ્યા હતા. અત્રે યાદ અપાવવું ઘટેકે માન. વિધાનસભા અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી Save soil અભિયાનના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. અને વિશ્વમાં જેમનું નામ ગૌરવભેર લેવાય છે. તેવા વંદનીય સદગુરુના કાર્યને વેગ આપી રહ્યા છે. ફરી ટૂંક સમયમાં આ વિશે અલગથી વાત કરીશું.
મિત્રો, આજનો આ આર્ટીકલ આપને ચોક્કસ પસંદ પડયો હશે. આપ કોમેંટમાં આપના અભિપ્રાય અચૂક આપશો. અને આવા બીજા આવનાર આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો, આપનો ખૂબખૂબ આભાર !!
આ પણ વાંચો : Kiwi Farming: એક વીઘામાંથી 24 લાખ રૂપિયાની કમાણી એ નવો ટ્રેન્ડ છે, જલ્દી કરો