NATIONAL YOUTH FESTIVAL 2023 KARNATAKA । Swami Vivekananda Jayanti 2023 । Rastriya Yuva Divas in Gujarati | 26 મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ
NATIONAL YOUTH FESTIVAL 2023 12 મી જાન્યુઆરી ના દિવસને ભારત રાષ્ટ્રીય યુવા દિવસ ( YOUTH DAY IN INDIA) તરીકે ઉજવે છે. આ દિવસ યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત એવા દાર્શનિક અને સંત સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવા નક્કી કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1985 ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેના પરથી પ્રેરિત થઈ ભારતે પણ 1985 થી સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારતના યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ વર્ષ 2023 નો 26 મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ કર્ણાટકના હૂબલી મુકામે તારીખ 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી એમ પાંચ દિવસ માટે યોજવામાં આવનાર છે. જેમની પાસે સ્કિલ અને પ્રમાણિકતા છે એવા તેજસ્વી યુવાનોને ભારતના વિકાસ અને નિર્માણ કાર્યમાં જોડવાના હેતુથી દર વર્ષે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 12 જાન્યુઆરી ના રોજ ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી 26 માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે. 2023 ના 26 માં યુવા મહોત્સવની થીમ (NATIONAL YOUTH DAY THEME) છે
રાષ્ટ્રીય યુવા દિવસ 2023 થીમ : ‘વિકસિત યુવા વિકસિત ભારત’
26 મા યુવા સંમેલન મહોત્સવમાં G20 સંમેલન અને જળવાયુ પરિવર્તન અને અને બીજા અનેક મુદ્દાઓ ને આવરી લઈ યુવાનોને પ્રેરીત કરવામાં આવશે .
સ્વામી વિવેકાનંદનું જીવન ચરીત્ર – Swami Vivekananda Jayanti 2023
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863 ના રોજ પશ્ચિમ બંગાળના કલકત્તાના શિમલાપાલ્લી મુકામે કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ ભુવનેશ્વરીદેવી અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું તેમના માતા ભુવનેશ્વરી દેવી ઈશ્વરમાં ખુબજ શ્રદ્ધા ધરાવતાં હતાં. તેમના પિતા વિશ્વનાથ દત્ત ખૂબ જ દયાળુ સ્વભાવના હતા. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના જીવન ઘડતરમાં તેમના માતા પિતાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. બાળપણ નું શિક્ષણ ઘરેજ મેળવ્યા પછી આઠ વર્ષની નાની ઉંમરે તેમણે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ની એક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના પ્રસિદ્ધ કેળવણીકાર, દાર્શનિક, અને સમાજ સુધારક હતા. ત્યારબાદ સ્વામી વિવેકાનંદે કલકત્તા ની પ્રેસિડન્સી કોલેજમાંથી સ્નાતક ની પદવી મેળવી હતી. સ્વામી વિવેકાનંદ બાળપણથી જ તેમને શીખવવામાં આવતા વિષયોને ઝડપથી શીખતા હતા. તેમણે સંસ્કૃત, ઇતિહાસ સમાજશાસ્ત્ર ,અને બંગાળી સાહિત્ય ઉપરાંત ભારતના હિન્દુ ધર્મના ગ્રંથો, અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો હતો. તેઓ સંગીત યોગ અને રમતગમતના પણ પ્રખર અભ્યાસુ હતા. તેમની યાદશક્તિ તીવ્ર અને શાસ્ત્રોનો એટલો બહોળો અભ્યાસ હતો કે કોઈ તેમની સાથે ચર્ચામાં પણ ભાગ લઈ શકતું ન હતું. તેમની વિચક્ષણ પ્રતિભાની કેટલાય મહાનુભાવો એ નોંધ લીધી હતી. તેમના જીવન ઉપર બ્રહ્મો સમાજની શરૂઆતના તબક્કે ખૂબ અસર પડી હતી. પરંતુ અદ્વૈત વાદ અને મૂર્તિ પૂજાને સ્થાન ના હોવાના લીધે વિવેકાનંદને સંતોષ થયો નહીં. તેમણે બ્રહ્મો સમાજના કેશવ ચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોરની સાથે ઘણી ચર્ચાઓ કરી પરંતુ તેમના પ્રશ્નો નું સમાધાન થઈ શક્યું નહી છેવટે તેઓ તેમના ગુરુની શોધમાં નીકળી પડયા .
સ્વામી વિવેકાનંદ નાં માતા પિતાના સંસ્કાર અને તેમના યોગા અભ્યાસથી તેઓ ઈશ્વરની સાક્ષાત અનુભૂતિ અને આધ્યાત્મિક સત્યોને જાણવાની પ્રબળ ઉત્કંઠા ધરાવતા હતા. તે માટે તેઓ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા પ્રખર ગુરુ ની શોધમાં હતા. છેવટે તેમને રામકૃષ્ણ પરમહંસ સાથે ભેટો થયો. રામકૃષ્ણ પરમહંસ દેખાવમાં તદ્દન સામાન્ય અને એકદમ સરળ ભાષામાં વાત કરતા હતા. સ્વામી વિવેકાનંદે કેટલાય દિવસો સુધી તેમની સાથે ચર્ચા કરી. અને તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા. તેમને રામકૃષ્ણ પાસેથી સંતોષકારક જવાબ મળ્યા. શરૂઆતમાં તેમણે તરતજ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા ન હતા. પરંતુ હંમેશા તેઓ રામકૃષ્ણ પરમહંસન પાસે જવાનું ખેંચાણ રહેતું. અને છેવટે ગુરુ તરીકે તેમણે રામકૃષ્ણ પરમહંસને સ્વીકાર્યા. અને રામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમની જીજ્ઞાસાનું સમાધાન મેળવ્યું. 1885 માં રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર થતાં , તેઓ રહેવા માટે ખુશીપોર ચાલ્યા ગયા. તેમની બીમારીના છેલ્લા દિવસોમાં સ્વામી વિવેકાનંદ અને તેમના સાથી અનુયાયીઓ એ રામકૃષ્ણ પરમહંસની સેવા શ્રુસુષા કરી. રામકૃષ્ણ પરમહં તેમની જીંદગીના છેલ્લા દિવસોમાં સ્વામી વિવેકાનંદ ને ઘણા ઉપદેશ અને સૂચનાઓ આપી . સ્વામી વિવેકાનંદને માનવસેવા એ જ ઈશ્વરની સેવા છે અને તે સર્વોપરી છે. એવો ઉપદેશ તેમના ગુરુએ આપ્યો હતો . તેમણે સ્વામી વિવેકાનંદને મઠના વડા ની જવાબદારી લેવાનું કહ્યું અને રામકૃષ્ણએ મહા સમાધિ લીધી.
સ્વામી રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી 1888 માં એક સન્યાસીની જેમ ભારત ભ્રમણ કરવાનું શરૂ કર્યું. તેમણે ઉત્તર ભારતના અનેક સ્થળોએ ભ્રમણ કર્યું. તેમણે ગુજરાતમાં અમદાવાદ લીંબડી વઢવાણ જેવા અનેક સ્થળોએ અનુયાયીઓ સાથે ધર્મના પ્રચાર માટે કાર્ય કર્યું. .લીંબડીમાં ઠાકોર સાહેબ જશવંતસિંહને પણ મળ્યા હતા. દક્ષિણ ભારત ભ્રમણમાં તેમણે અનેક સ્થળો મદુરાઈ, રામેશ્વર, અને પોડીચેરીની પણ મુલાકાત લીધી હતી. પાછળથી તેમણે મદ્રાસમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.
સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મ પરિષદમાં
સ્વામી વિવેકાનંદ ની ભ્રમણ યાત્રા માત્ર ભારત પૂરતી જ સીમિત ન રહેતા, તેમણે અમેરિકા ઇંગ્લેન્ડ અને યુરોપના કેટલાય દેશોની યાત્રા કરી હતી. તેમની પશ્ચિમની શરૂઆતની યાત્રા અમેરિકાના શિકાગોની ધર્મ પરિષદ થી કરી હતી . 11 સપ્ટેમ્બર 1893 ના રોજ યોજાયેલી શિકાગો ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે તેમના પ્રારંભિક ઉદબોધનથી સૌ લોકોને ભાવવિભોર કરી દીધા હતા તેમણે કહ્યું હતું કે ભાઈઓ અને બહેનો તેનાથી સમગ્ર સભા ખૂબ પ્રભાવિત થઈ. સભામાં સૌ ઊભા થઈ બે મિનિટ સુધી તાળીઓના ગગડાટથી તેમને વધાવી લીધા હતા. ત્યારથી સમગ્ર વિશ્વને સ્વામી વિવેકાનંદનો પરિચય થયો. સ્વામી વિવેકાનંદે આ ધર્મ પરિષદમાં ભગવદગીતા અને હિન્દુ ધર્મના શાસ્ત્રોની વાતો કરી જગતમાં હિન્દુ ધર્મના પુનરુત્થાનનો પાયો નાખ્યો. ત્યારબાદ તેમણે અનેક યુનિવર્સિટીઓ અને વિવિધ સંસ્થાઓમાં તેમના વ્યાખ્યાનો આપ્યા. તેમના ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન આયરીસ મહિલા કુ. માર્ગરેટ સાથે એમની મુલાકાત થઈ. પાછળ થી તેઓ સિસ્ટર નિવેદિતા ના નામથી ઓળખાયાં અને સ્વામી વિવેકાનંદનાં શિષ્યા બન્યાં. આ સિવાય તેમણે યુરોપના ઘણા દેશોની મુલાકાત લીધી. તેમણે આ તમામ દેશોમાં હિન્દુ ધર્મના સ્થાપન અને પુનરુત્થાન માટે પ્રયત્નો કર્યા. અને તેમને અનેક અનુયાયીઓ પ્રાપ્ત થયા.સ્વામી વિવેકાનંદે ઈગ્લેંડમાં વેદાંત સોસાયટી સ્થાપના પણ કરી. આપણા દેશના ઘણા નેતાઓના જીવન ઉપર સ્વામી વિવેકાનંદની ફીલસૂફીનો પ્રભાવ પડયો હતો. તેમાં મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘો ,ડોક્ટર રાધાકૃષ્ણન, અને જવાહરલાલ નેહરુ અને બીજા અનેકોના જીવનમાં સ્વામી વિવેકાનંદ ના તત્વજ્ઞાનની અસર જોવા મળે છે. તેમણે 1 મે 1897 ના રોજ કલકત્તા ખાતે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી .
સ્વામી વિવેકાનંદ કેટલાંક વર્ષો બેલુર મઠ માં રહ્યા. ડિસેમ્બર 1901 માં જાપાને તેમને ધર્મ પરિષદમાં પધારવા માટે નિમંત્રણ પાઠવ્યુ.પરંતુ નાદુરસ્ત તબિયત ને લીધે તેઓ જાપાન ધર્મ પરિષદમાં જઈ શક્યા નહીં. આગામી દિવસોમાં તેમણે બોધગયા અને વારાણસીની યાત્રાઓ કરી તેમણે અવસાનના દિવસે વિદ્યાર્થીઓને પણ ભણાવ્યા હતા.અસ્થમા અને મધુ પ્રમેહ ની બીમારીએ તેમને જકડી લીધા હતા. 4 જુલાઈ 1902 ના રોજ ધ્યાનની અવસ્થામાં તેમનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે તે તેમની મહા સમાધિ હતી. 40 વર્ષથીવધુ નહીં જીવવાની તેમની પોતાની જ આગાહી તેમણે સાચી ઠેરવી.
સ્વામી વિવેકાનંદનાં સૂત્રો
- મને 100 નચિકેતા આપો. હું વિશ્વને બદલી નાખીશ.
- દરેક વ્યક્તિમાં ઈશ્વર રહેલો છે, એટલે દરિદ્ર નારાયણની સેવા એ જ ઈશ્વરની સર્વોપરી સેવા છે.
- જ્યાં સુધી આખરી ધ્યેય પર ન પહોંચાય ત્યાં સુધી મંડયા રહો.