Farming Techniques, શક્કરીયાંની ખેતી: શક્કરીયાંને હિંદીમાં શક્કરકંદ અને અંગ્રેજી માં sweet Potato કહેવામાં આવે છે. શક્કરીયુંએ બટાટાની જેમજ એક પ્રકારનું કંદમૂળ છે. તેની રોપણી ચોમાસા દરમ્યાન કરવામાં આવે છે. જેમ બનાસકાંઠા જિલ્લો અને ડીસા તાલુકો ગુજરાત જ નહી પણ સમગ્ર ભારત માં બટાટા ઉત્પાદનમાં મોખરે છે. તેમ ઉત્તર ગુજરાતમાં કડી તાલુકાના અને માથાસુર ગામના ખેડૂતો પરંપરા ગત ખેતીની સાથે શક્કરીયાંની ખેતી કરી વિઘે લાખોની કમાણી કરી છે. આ ગામમાં જ આશરે 400 થી 500 વીઘા વિસ્તારમાં શક્કરીયાંની ખેતી કરવામાં આવે છે. હવે પરંપરાગત ખેતી માં નવીન સંસોધન કરી આ ગામના ખેડૂતો ખેતીમાં નવીન પાકો દવારા પોતાની આવકમાં સુધારો કરી રહ્યા છે.
શક્કરીયું ગરમ તાસીર ધરાવતું,પોષક તત્વોથી ભરપુર કંદમૂળ છે. તે શિયાળા માં ઇમ્યુનિટી વધારી શરીરને સ્વસ્થ રાખે છે. શ્વાસ અને નેત્ર રોગો માટે પણ લાભદાયી છે. શક્કરીયાં શેકીને, બાફીને ખાવા ઉપરાંત શક્કરીયાનો શીરો બનાવવાની પરંપરા આપણે ત્યાં છે. હવે તો શક્કરીયા માંથી બનતી અવનવી વાનગીઓ બજારમાં પણ ઉપલબ્ધ છે. આપણે ત્યાં ઉત્તરાયણ અને ત્યારબાદ આવતા શિવરાત્રીના તહેવારોમાં ઉપવાસ કરી શક્કરીયાંની અવનવી વાનગી બનાવીને ખાવાનો ધાર્મિક અને પરંપરાગત મહિમા છે. શિયાળાની ઠંડી શરૂ થાય ત્યારેજ શક્કરીયાં નો પાક તૈયાર થઈ બજારમાં આવી જાય છે. તહેવારોના આ સમયમાં બજારમાં શકકરિયાની ભારે માંગ રહે છે.
શક્કરીયાંની ખેતી પધ્ધતી
શક્કરીયાંની ખેતીને રેતાળ ,ગોરાડું જમીન વધારે માફક આવે છે. કંદમૂળ હોવાથી જમીન જેટલી પોચી અને ફળદ્રુપ હોય એટલું ઉત્પાદન વધારે મળે છે. સૌ પ્રથમ જમીન ને સારી રીતે ખેડી તૈયાર કરવામાં આવે છે. ખેડ પહેલાં છાણીયું ખાતર ભરી ખેડવામાં આવેતો ઉત્પાદન વધારી શકાય છે. શક્કરીયાં ના નાના કંદમૂળનો ધરું ઉછેર માટે ઉપયોગ કરવામાં આવે છે. ધરુવાડીયા ના તંદુરસ્ત તંદુરસ્ત રોપા ના ફૂટ જેટલા ટુકડાઓને રોપાવવામાં આવે છે. ચોમાસામાં સારો અને પ્રમાણસર વરસાદ શક્કરીયાં ના પાકને વધુ માફક આવે છે. વરસાદ ની ખેચ થાયતો ક્યારેક પિયત પણ આપવામાં આવે છે. શક્કરીયાંના પાકને તૈયાર થતાં 120 દિવસનો સમય લાગે છે. ત્યારબાદ ટ્રેક્ટર અથવા હાથની મજૂરીથી શક્કરીયાંને બહાર કાઢવામાં આવે છે. શક્કરીયાંનાં નાના કંદને અલગ કરી તેને ધરુવાડિયા માટે રાખવામાં આવે છે . મોટા અને ભરાવદાર કંદને અલગ કરી તેના પરની માટીને સારી રીતે સાફ કરીને બજારમાં વેચાણ માટે લાવવામાં આવે છે.
શક્કરીયાંનો પાંદડાં અને વેલાવાળો ઉપરનો ભાગ પશુઓને ખૂબ સારો લીલો ઘાસ ચારો હોઈ તે ખેડૂતને પોતાના પશુઓ માટે ઉપયોગી થાય છે. ખેડૂતને જરૂર ના હોયતો તે લીલા ચારાનું વેચાણ કરી તેની આવક મેળવે છે.
શક્કરીયાં ના ઉત્પાદનની વાત કરવામાં આવે તો શક્કરીયાં વિધે 250 મણ થી 300 મણનું ઉત્પાદન આપે છે. માથાસુર ના પ્રગતિશીલ ખેડૂતો વિઘે 250 મણ થી 300 મણ સુધીનું ઉત્પાદન મેળવી વીઘા દીઠ સારા ભાવ મળેતો 75000 થી 100000 રૂપિયા સુધીની આવક મેળવે છે. હાલમાં શક્કરીયાંનો બજારભાવ મણ ના 300 થી 400 આસપાસના ભાવ રહે છે. તહેવાઓમાં બજારમાં 25 થી 30 રૂપિયે કિલોના ભાવે શક્કરીયાનું છૂટક વેચાણ થતું જોવા મળ્યું છે . ઘણા ખેડૂતો પોતેજ છૂટક વેચાણ કરી વધુ નફો મેળવે છે. આમ માથાસુરના ખેડૂતોએ શક્કરીયાંની ખેતીમાં સારી પ્રગતિ મેળવી નફો કરતા થયા છે.
જો શક્કરીયાંની ગાય આધારીત પ્રાકૃતિક ખેતીથી આરોગ્યપ્રદ અને પૌષ્ટિક શક્કરીયાં સ્વાદમાં ઉત્તમ અને વધુ સારા ભાવ થી વેચાણ કરી વધુ ઉપજ મેળવી શકાય.
મિત્રો, અમારો શક્કરીયાની ખેતી વિશેનો આ આર્ટીકલ આપને જરૂર ગમ્યો હશે . આપ અમોને કોમેંટમાં જરૂર જણાવશો આવા બીજા આર્ટીકલ જોવા અમારી વેબસાઇટ ની મુલાકાત લેતા રહેશો. અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !
આ જુઓ:- ભવિષ્ય માટે રોકાણ, નિયમિત આવકની સુવિધા, જાણો કઈ રોકાણ યોજના ફાયદાકારક છે